જતીન સંઘવી ; રાજયભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેને વિશિષ્ટ બનાવવા ખાસ આયોજનો થઈ રહ્યા છે.
ભાવનગરના ઉમરાળામાં બાળકોને શાળામાં પ્રવેશ વેળા ઘોડે બેસાડીને આવકારાયા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી અને ગઢડા, ઉમરાળા, વલભીપુર બેઠકના ભાજપના ધારાસભ્ય આત્મરામ પરમાર પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવમાં મહેમાન હતા. વડોદ ગામે શાળામાં પ્રવેશ પાત્ર બાળકો સાથે મહેમાનોને પણ અસલ ગામઠી શૈલીમાં આવકારવા આયોજન થયું હતું. જોકે, આત્મરામભાઈએ આજે બાળ રાજાનો દિવસ છે તેમ કહી પોતે ઘોડે ચડવાના બદલે બાળકોને ઘોડે ચડાવી વાજતે ગાજતે પ્રવેશ અપાવ્યો હતો, આથી બાળકોને પણ મજા પડી ગઈ હતી. આત્મરામભાઈની સરળતા અને સાદગી લોકોને સ્પર્શી ગઈ હતી. આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.