ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી બે વ્યક્તિઓના જીવ લેવાના મામલે ફરાર ડો. સંજય મૂળજીભાઈ પટોળિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પુરી થતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કે.એમ. સોજીત્રાએ ચુકાદો અનામત રાખ્યો છે. સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડો. સંજય પટોળિયાએ અરજીમાં પોતે ડાયરેકટર હોવાનો ઉલ્લેખ નહીં કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત પકડાયેલા ડો. પ્રશાંત વઝીરાણી PMJAY યોજના અંતર્ગત તેમનું નામ જ નહોતું તો તેમને કેવી રીતે ઓપરેશન કર્યા તે મુદ્દે ડાયરેકટ ડો. સંજય પટોળિયા જ જણાવી શકે તેમ છે.
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજીને 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ આવવા કહેવાયું હતું. પરંતુ 19 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા. જેમાં 2 વ્યકિતની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરતા બંનેના મોત થયા હતા. જેમાં પોલીસે ગુનો નોંધતા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેકટર ડો. સંજય મૂળજીભાઈ પટોળિયા સહિત અન્ય ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તમામ આરોપીઓના ઘરે તથા ઓફિસોમાં તપાસ કરીને જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા.
બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા માટે ડો. સંજય પટોળિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ત્રણ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તેમનો કોઈ રોલ નથી, ખોટી રીતે સંડોવામાં આવ્યા છે. જેથી આગોતરા જામીન મંજૂર કરવા જોઈએ. ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ડો. સંજય પટોળિયાએ બનાવી હતી. જે નહીં ચાલતા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે દર્શાવી હતી. આ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોળિયાનો 33.85 ટકા ભાગ છે. જયારે કાર્તિક પટેલનો 50.91 ટકા, કાર્તિક પટેલ HUFનો 0.7 ટકા, હેતલ સંજય પટોળિયાનો 8.37 ટકા, ચિરાગ રાજપૂતનો 6.18 ટકા અને પ્રદીપ કોઠારીનો 3.61 ટકા શેર હિસ્સો ધરાવે છે.