MPના ખંડવામાં મશાલ રેલી દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં, માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો સાથે વાતચીત કર્યા બાદ તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને ઘટનાની માહિતી મેળવી.
ખંડવાના એસપી મનોજ રાયે જણાવ્યું – જ્યારે મશાલ રેલી શહેરના ક્લોક ટાવર પર પુરી થઈ રહી હતી, ત્યારે મશાલ મૂકતી વખતે કેટલીક મશાલો ઊંધી પડી ગઈ, જેના કારણે તેમાં રહેલ લાકડાંઈ નો વહેર અને તેલથી નજીકમાં પડેલી મશાલો ભભુકી ઉઠી. જેના કારણે ત્યાં એક ઘેરાવમાં ઉભેલા લોકો દાઝી ગયા હતા.જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. લોકોના ચહેરા અને હાથ બળી ગયા છે. 30 લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.