રશિયાએ ગુરુવારે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર 200 મિસાઇલ અને ડ્રોન સાથે હુમલો કર્યો હતો. યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાના લીધે તેના 10 લાખ ઘરો વીજવિહોણા થઈ ગયા છે. છેલ્લા બે સપ્તાહમાં રશિયાનો યુક્રેનની પાવર ગ્રિડ પર બીજો સૌથી મોટો હુમલો છે. તેના લીધે રશિયા શિયાળા પહેલા યુક્રેનને વીજ કટોકટીમાં ધકેલી દેવા માંગતુ હોવાની સંભાવના વધી ગઈ છે.
રશિયાએ અગાઉના વર્ષોમાં પણ યુક્રેનની વીજ ઉત્પાદન ક્ષમતાને લક્ષ્યાંક બનાવી હતી. તેની પાછળ તેનું ધ્યેય નાગરિકોને શિયાળાના મહિનાઓ દરમિયાન હીટિંગની સગવડ ન મળે અને ગરમાગરમ પાણી ન મળે તેનું છે. આ રીતે તે યુક્રેનનો સ્પિરિટ તોડવા માંગે છે. આ હુમલાઓએ યુક્રેનના સરંક્ષણ ઉદ્યોગને વધુને વધુ ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવાની ફરજ પાડી છે. યુક્રેનનો સંરક્ષણ ઉદ્યોગ મિસાઇલ, ડ્રોન અને સશસ્ત્ર વાહનોની સાથે અન્ય મિલિટરી એસેટ્સનું પણ ઉત્પાદન કરે છે.
યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં કેલિબર ક્રુઝ મિસાઇલ એકસાથે સિવિલિયન ટાર્ગેટ્સ પર ત્રાટક્યા હતા. આ મિસાઇલોના ક્લસ્ટર મ્યુનિશન્સે મોટાપાયા પર નાના બોમ્બ રિલીઝ કર્યા હતા, જે નાગરિકો માટે હુમલા પછી પણ જોખમી નીવડે છે. પુતિને દાવો કર્યો હતો કે તેમના દળોએ 17 યુક્રેનિયન લક્ષ્યાંકો પર હુમલા કર્યા હતા, તેમા મિલિટરી ફેસિલિટીઝ અને સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. 100 મિસાઇલ અને 90 ડ્રોન વડે આ હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયાએ આ વર્ષે યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર કરેલો 11 માં નંબરનો સૌથી મોટો સુનિયોજિત હુમલો હતો. યુક્રેનની એરફોર્સનો દાવો છે કે તેણે76 ક્રુઝ મિસાઇલ તોડી પાડયા હતા અને આ સિવાય અન્ય પ્રકારના બીજા ત્રણ મિસાઇલ તથા 32 ડ્રોન તોડી પાડયા હતા. આ સિવાય 62 રશિયન ડ્રોન ઇલેક્ટ્રોનિકલી જામ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. બંને પક્ષના દાવામાંથી એકની પણ સ્વતંત્ર ખરાઈ થઈ શકે તેમ નથી.