રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ અંગેની માહિતી આપી છે.
પિતા ધીરુભાઈ અંબાણીના નિધન પછી મોટાભાઈ મુકેશ અંબાણીએ 2002માં રિલાયન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. જોકે તેમની પેઢીનો સક્સેસ પ્લાન ઘણો ઉથલ-પાથલ ભર્યો રહ્યો હતો. વિવાદનો અંત રિલાયન્સ ગ્રુપના વિભાજનના રૂપમાં આવ્યો હતો. મુકેશ અંબાણી તે સ્થિતિને ટાળવા માંગે છે. તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત રિલાયન્સના ટેલિકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસમાં સામેલ છે. મુકેશ અંબાણીએ પોતાના બાળકો વિશે કહ્યું હતું કે મને એ બાબતે કોઈ શંકા નથી કે આકાશ, ઈશા અને અનંત, ત્રણે આગામી પેઢીના લીડર બનીને રિલાયન્સને વધુ ઉંચાઈ સુધી લઈ જશે.
બોર્ડે આકાશ ઉપરાંત રામિંદર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને પણ એડિશનલ ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ બંનેને 05 વર્ષ માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. આ રીતે બોર્ડે પંકજ મોહન પવારને રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવાને પણ મજૂરી આપી છે. આ નિમણૂંક પણ 27 જૂન 2022થી આગામી 05 વર્ષ માટે છે. આ નિમણૂંકને હાલ શેરહોલ્ડર્સની મંજૂરી મળવાની બાકી છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે.