એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા છે. જેપી નડ્ડા અને હાઈકમાન્ડના નિર્દેષ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા છે.
મહારાષ્ટ્રના રાજકિય ડ્રામાની વાત કરીએ તો છેલ્લાં કેટલાક દિવસોથી મહાવિકાસ અધાડી સરકારને પાડવાની આશંકા કરવામાં આવતી હતી. આમ તો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમની સરકાર તો થોડા દિવસ પહેલેથી જ અલ્પમતમાં આવી ગઈ હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ મહાવિકાસ અધાડીને બહુમત નથી આપ્યો. ચૂંટણી પછી બીજેપી જ સૌથી મોટી પાર્ટી હતી. બીજેપી-શિવસેનાએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. તે માટે શિવસેનાએ બાળા સાહેબના વિચારોને પણ સાઈડમાં મુકી દીધા.
આ દરમિયાન ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, સરકારના બે મંત્રી જેલમાં છે. આ પહેલાં આવું કદી નથી થયું. બાળા સાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો છે પરંતુ ઉદ્ધવ સરકારનો એક મંત્રી દાઉદ સાથે જોડાયેલો છે. જેલમાં ગયા પછી પણ તેને મંત્રી પદ પરથી હટાવવામાં નથી આવ્યો. આ બાળા સાહેબનું અપમાન છે. ફડણવીસે આરોપ લગાવ્યો કે, ઉદ્ધવ સરકારે છેલ્લી ઘડીએ સંભાજી નગર નામ કર્યું.
મહારાષ્ટ્રના નવા મુખ્યંત્રીની જાહેરાત અને ફડણવીસનું સરકારમાં સામેલ ના થવાની જાહેરાત બાદ તેઓ નારાજ હોવાની વાત સામે આવી છે. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મીડિયા સામે આવ્યા અને તેમણે ફડણવીસને મોટા મનના નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે, ફડણવીસને અપીલ છે કે તેઓ નવી સરકારમાં સામેલ થાય અને ડેપ્યુટી સીએમની ખુરશી સંભાળે. નડ્ડાએ આ કહ્યા પછી કેન્દ્રીય નેતૃત્વનો પણ એવો નિર્દેશ છે કે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ પદના શપથ લે.
આ દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું કે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. અમને લોકોને મહાવિકાસ અધાડી સરકારમાં કામ કરવામાં તકલીફ થતી હતી. આ વિશે અમે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી. અમે અમારી વાત સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બીજેપી સાથે અમારું નેચરલ ગઠબંધન હતું. અમે લોકો બાળા સાહેબના વિચારોને લઈને સરકાર તરફથી હિન્દુત્વનો નિર્ણય લીધો છે. નવી સરકાર બનાવવામાં અમારા કોઈને કઈ સ્વાર્થ નથી. મોટી પાર્ટી હોવા છતાં બીજેપીએ મને મોકો આપ્યો. દેવેન્દ્રજીએ મોટું મન રાખ્યું. તે માટે હું તેમનો આભારી છું. હું વડાપ્રધાન મોદીજી. ગૃહમંત્રીઅમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો આભારી છું.
દેવેન્દ્રજી કેબિનેટમાં નહીં હોય, પરંતુ અમે તેમનું માર્ગદર્શન લેતા રહીશું. એક બાજુ મોટા મોટા નેતા છે તેમ છતાં એકનાથ શિંદે જેવા કાર્યકર્તાને મોકો આપવામાં આવ્યો છે. એક મજબૂત સરકાર અમને જોવા મળશે. આ સરકાર દેશમાં એક મિસાલ બનશે. સહયોગીઓનો આભાર માનુ છું. હું નાનો કાર્યકર્તા છું તેમ છતાં 50 ધારાસભ્યોએ મારામાં વિશ્વાસ મુક્યો. તેમના ભરોસાને આંચ નહીં આવવા દઉં. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને મદદ કરશે. તેનાથી રાજ્યનો વિકાસ થશે.