ભાવનગરમાં નિલમબાગ સર્કલથી જવેલ્સ સર્કલ સુધીના રૂટ પર ગુરુવારે મોડી સાંજે કોર્પોરેશને દબાણ હટાવ કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો જેના પગલે દબાણ કર્તાઓમાં દોડધામ મચી હતી. શહેરના નિલમબાગ સર્કલથી જવેલ્સ સર્કલ સુધીના અંદાજિત સવા કિમી લાંબા વિસ્તારમાં ખડકાયેલાં વિવિધ અસ્થાયી દબાણોને તંત્ર દ્વારા સંમયાંતરે હટાવવામાં આવે છે પરંતુ તેની કોઈ અસર જોવા નથી મળતી તે પણ હકીકત છે.
આ જ સ્થળે દબાણો ખડકાઈ જતાં તેને હટાવવા માટે વારંવાર સૂચના આપવામાં આવી હતી છતાં દબાણકર્તાઓએ તેને ગંભીરતાથી ન લેતાં ગુરુવારે મોડી સાંજના સુમારે એકાએક દબાણ હટાવની ટીમ આ વિસ્તારમાં ત્રાટકી હતી. જેના પગલે થોડા સમય માટે દબાણકર્તા – લારીધારકોમાં રીતસર દોડધામ મચી ગઈ હતી, તંત્રએ દબાણકર્તાઓને કોર્ડન કરી અને સ્થળ પરથી ખાણીપીણીની પાંચ કેબિનો તથા કાઉન્ટર જપ્ત કર્યા હતા.