વૈશ્વિક સ્તરે સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઈનરવ્હીલ ક્લબ ડીસ્ટ્રિક્ટ ૩૦૬ અંતર્ગત સમાજના વિવિધ સ્તરે પોતાનું પ્રદાન આપી રહેલ ઈનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગર પર તાજેતરમાં આણંદમાં આયોજિત ડીસ્ટ્રિક્ટ એસેમ્બલી દરમિયાન અનેક વિવિધ એવોર્ડ્સથી સન્માન કરવામાં આવેલ છે.
આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં “આત્મનિર્ભર પ્રોજેક્ટ” નામના અનોખા ઉપક્રમ દ્વારા સમાજના દિવ્યાંગ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવેલ જેમાં દાતાઓના આર્થિક સહયોગથી દિવ્યાંગો માટે ૯ બેટરી સંચાલિત ટ્રાયસિકલ સહિત ૫૧ જેટલી ટ્રાયસિકલ, બે કુત્રિમ હાથ, બે કુત્રિમ પગની સહાય ઉપરાંત ૩૩ જેટલી સીવણકામ જાણતી બહેનોને સિલાઈ મશીન આપવામાં આવેલ. આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૧-૨૨ ના શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે સન્માનિત કરવામાં આવેલ છે . વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રમુખ એકતાબેન શાહ અને સેક્રેટરી ભાવિકા મહેતાની આગેવાની હેઠળ આ ક્લબ દ્વારા અનેક સમાજોપયોગી કાર્યો કરવામાં આવેલ હતા જેમાં સાક્ષરતા વિષયક પ્રોજેક્ટ હેઠળ ૫૦૦૦ જેટલી નોટબુકો ગરીબ અને વંચિત બાળકોને વહેંચવામાં આવેલી. કોવીડકાળના અનુભવોને ધ્યાને લઈ બહેનો માટે ખાસ નાણાકીય અને કાયદાકીય સલામતી અને જાગૃતિ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ. આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રિય ઇનરવ્હીલ પેજ ઉપરાંત ‘હેલો મુંબઈ’ તથા ‘હેલો વુમનિયા’ જેવા સામયિકોમાં સ્થાન પ્રાપ્ત થયેલ.
વર્ષ દરમ્યાન કુલ ૩૨ જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરનાર આ ક્લબના પ્રમુખ એકતાબેન શાહને આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ તરીકે નવાજવામાં આવેલ હતા. આ કલબને પ્રાપ્ત થયેલ અન્ય એવોર્ડ્સમાં ડીસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં યજમાનપદ ઉપરાંત ક્લબના સિનિયર મેમ્બર સુશ્રી જ્યોત્સના મહેતા અને ભૂતપૂર્વ ડીસ્ટ્રિક્ટ ચેરમેન ડૉ. રેણુબેન પંડિતને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઇનરવીલ ક્લબના દરેક સભ્યો સાથે મળી અને સમાજ માટે કામ કરવા સતત તત્પર રહે છે અને હંમેશા રહેશે.