દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાં પડતા માથે પાટુ જેવી સ્થિતિ આવી રહી છે. ત્યારે હવે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં ગેસ કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈંડિયન ઓયલની વેબસાઈટ પર મળેલી જાણકારી અનુસાર, 14.2 કિલોના ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે.
આ ઉપરાંત 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 8.50 રૂપિયા ઘટી ગયા છે. 14.2 કિલોવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડરના નવા ભાવ 6 જૂલાઈથી લાગૂ થઈ ગયા છે. એટલે કે, આજે આપ ગેસ સિલેન્ડર બુક કરાવશો તો, હવે આપને 1003ની જગ્યાએ 1053 રૂપિયા આપવા પડશે.
ઈંડિયન ઓયલમાંથી મળેલી જાણકારી અનુસાર, 6 ઓક્ટોબરથી લઈને 21 માર્ચ 2022 સુધી ઘરેલૂ એલપીજી સિલેન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. બાદમાં 22 માર્ચ 2022ના રોજ ગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો થયો અને તેના ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયા. પણ મોંઘવારી અહીંથી અટકી નથી, 7 મે 2022ના રોજ ગેસની કિંમતમાં ફરી એક વાર 50 રૂપિયાનો વધારો આવ્યો છે. તે બાદ તેની કિંમત 949.50થી વધીને 999.50 રૂપિયા થયા હતા.