વિશ્વબજારમાં ખાદ્યતેલોનાં ભાવો તૂટવાને પગલે કેન્દ્ર સરકારે ઘરઆંગણાની તેલ ઉત્પાદક કંપનીઓને પણ ભાવ ઘટાડવાની તાકીદ કરી છે. તેવા સમયે એવો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે કોઇપણ બ્રાન્ડની તેલની કિંમત દેશભરમાં એકસમાન જ રાખવામાં આવે.
કેન્દ્ર સરકારે તમામ તેલ ઉત્પાદક કંપનીઓને આવતા એક સપ્તાહમાં પ્રતિ લિટર કિંમતમાં રુા. 10નો ઘટાડો કરવાની તાકીદ જ કરી છે. સાથોસાથ એવી પણ સૂચના આપી છે કે સમગ્ર દેશમાં ખાદ્યતેલની રીટેઇલ કિંમત એકસમાન રાખવામાં આવે. અર્થાત કોઇ ચોક્કસ બ્રાન્ડનું તેલ ગુજરાતમાં જે ભાવે વેચાતુ હોય તે જ કિંમતે દેશના અન્ય રાજ્યોમાં વેચાણ થવું જોઇએ. કેન્દ્ર સરકારના ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેયએ જણાવ્યું હતું કે ખાદ્યતેલની કિંમતમાં પરિવહન સહિતનાં અન્ય ખર્ચનો ઉમેરો કરી જ દેવામાં આવતો હોય છે તો પછી દેશના જુદા-જુદા ભાગોમાં ભાવમાં કોઇ ફર્ક ન રહેવો જોઇએ.
આ સિવાય કંપનીઓને એવી પણ તાકીદ કરવામાં આવી હતી કે કંપનીઓ ભાવ ઘટાડાની સાથોસાથ વજન પણ ઓછું કરવાના ખેલ કરી રહી છે તે પણ બંધ કરવામાં આવે. અમુક કંપનીઓ 15 ડીગ્રી તાપમાનમાં ખાદ્યતેલ પેક કરે છે એટલે તેનું વજન ઘટી જાય છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવો 35 થી 40 ટકા ઘટી ગયા છે. તે સંજોગોમાં પ્રતિ લિટર કિંમત રુા. 125 આસપાસ થઇ જવાની શક્યતા છે. ખાદ્યતેલ સસ્તા થવાને પગલે બિસ્કીટ, મીઠાઈ,પાપડ, સાબુ વગેરેની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે.