ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વરસાદ અનરાધાર વરસી જ રહ્યો છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વરસાદે પ્રકોપ સર્જયો છે જેને પગલે સરકાર દ્વારા રાષ્ટ્રીય આફત ઘોષીત કરવામાં આવી છે. ભારે વરસાદમાં 77 લોકોના મોત નિપજ્યા છે. સરેરાશ કરતાં 87 ટકા વધુ વરસાદ થયો છે.
પાકિસ્તાનના જલવાયુ પરિવર્તન મંત્રી શહેરી રહેમાને જણાવ્યું હતું કે રેકોર્ડબ્રેક વરસાદથી ભારે તારાજી સર્જાઇ છે. અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે જેમાં 39 મોત માત્ર બલુચિસ્તાનમાં નોંધાયા છે. ઘણા વર્ષો બાદ આટલો ભારે વરસાદ નોંધાયો છે. જેને પગલે સરકાર દ્વારા રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવી છે. સેંકડો મકાનો ધરાશાયી થયા છે. અંતરિયાળ ભાગોમાં રાહત કાર્ય પણ શક્ય બન્યું નથી. દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 87 ટકા વધુ વરસાદ થઇ ગયો છે. નદી-નહેરમાં બેફામ જળ ઠલવાતા પૂરની પરિસ્થિતિ ઉદ્દભવી છે.