ગુજરાતભરમાં આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠેર-ઠેર પાણી પણ ભરાયા હતા. ત્યારે મનપા કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોટર કમિટિની ચેરમેન જતીન પટેલના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તો મનપા કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 1 મહિનાનો વરસાદ આજે 1 જ દિવસમાં પડી ગયો.
અમદાવાદ મનપાના કમિશનરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 130.70 MM એટલે કે સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઝોન મુજબ વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 135 MM, પશ્ચિમ ઝોનમાં 129 MM, મધ્ય ઝોનમાં 103 MM વરસાદ આજે પડ્યો હતો. સાથે જ ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે.
આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચન
રાજ્યમાં વલસાડ, સુરત, દાદર નગર હવેલી, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે. સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચન કર્યું છે.