ભાવનગરના જાણીતાં ડાયેટીશિયન સલોની ચૌહાણ દ્વારા લખાયેલ સ્ત્રીઓમાં અંત: સ્ત્રાવના ફેરફારોને લીધે જોવા મળતી અંડાશયને લગતી બીમારી એટલે કે પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ વિષય પર લખાયેલા વિશિષ્ટ અને ગુજરાતી ભાષાના એકમાત્ર પુસ્તકનું વિમોચન ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરિયમ ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ડૉ. કૈરવી જોશી, ડૉ. ગિરીશ વાઘાણી, સુશ્રી અમરજ્યોતિબા ગોહિલ તથા નિશીથ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકના સહલેખકો તરીકે ડૉ. રવિ પટેલ, ડૉ. પરેશ દોશી અને ડૉ. રજની પરીખે પણ ઉપયોગી પ્રદાન આપેલ છે. આ બીમારી પરત્વે સંકોચ, ડર અને અપૂરતી જાગૃતિને કારણે અનેક મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે. આ સ્થિતિમાં સ્ત્રીઓની અંદર હોર્મોનના અસંતુલનને કારણે માસિક સ્ત્રાવની અનિયમિતતા, ખીલ, તૈલી ત્વચા, વાળને લગતી સમસ્યાઓ, પ્રસૂતિને લગતા અવરોધો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે. “PCOS સમાધાન” આ શીર્ષક સાથેના પુસ્તક થકી મહિલાઓમાં આ સ્થિતિ પ્રત્યે જાગૃતિ કેળવાય અને સાથોસાથ યોગ્ય આહારપ્રણાલિથી આ સ્થિતિનું નિયમન કઈ રીતે કરી શકાય એની સરળ અને સહજ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવાનો એક સફળ અને ઉપયોગી પ્રયાસ કરવામાં આવેલ છે.ભાવનગર રાજ્યના કુંવરી સાહેબ બ્રિજેશ્વરીબા ગોહિલે આ પુસ્તક અને આ ઉપક્રમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ પુસ્તકની સંપૂર્ણ આવક લોકકલ્યાણના ઉદ્દેશો માટે રોટરી ક્લબ ભાવનગર રોયલને સમર્પિત કરવાનો સંકલ્પ પણ લેખિકા અને એમના પરિવાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ડૉ. એસ. એ. ચૌહાણ દ્વારા સહુનું આભારદર્શન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ફિરદૌસ દેખૈયાએ કરેલ હતું.