સામાન્ય વરસાદમાં પાણીભરાઇ જવાની વિકટ સમસ્યા છે ત્યારે અતિભારે વરસાદની આગાહીને લઇને તંત્ર એલર્ટ
ચોમાસુ જામ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આવી રહી છે. આ સમયે ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઇ જવા, ડ્રેનેજના પાણી પાછા પડવા સહિતની સમસ્યાઓએ માથુ કાઢ્યું છે ત્યારે આજે મેયર કિર્તીબેન દાણીધારીયા અને મ્યુ. કમિશનર (ઇન્ચાર્જં) યોગેશ નિરગુડેએ શહેરના કેટલાક વિસ્તારોમાં જઇ રૂબરૂમાં તાગ મેળવ્યો હતો અને ઘટતું કરવા માટે સંબંધિત વિભાગના વડાઓને જરૂરી સુચનાઓ આપી હતી.
શહેરમાં એક-દોઢ ઇંચ વરસાદમાં જ રસ્તા પર પાણીના તળાવડા ભરાઇ જાય છે જે પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ ચાલ્યું હોવાનું દર્શાવે છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ ઘરોમાં પાણી ઘુસવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે સરકારે તંત્રને એલર્ટ કર્યું છે ત્યારે આજે મેયર, કમિશનર તથા ડે.કમિશનર ઉપરાંત ડ્રેનેજ, વોટર વર્કસ, ટીપી, ટીબી, રોડ, એસ્ટેટ અને બિલ્ડીંગ વિભાગના મુખ્ય અધિકારીઓના કાફલાએ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
રૂવામાં સોમનાથ રેસિડેન્સીમાં વરસાદી પાણી ભરાવા સાથે ગટરના પાણી ભળવા, તરસમીયામાં માધવ રેસિડેન્સીમાં પણ પાણી ભરાઇ જવા, બોરતળાવ થાપનાથ મહાદેવ નજીકની સોસાયટીમાં પાણી ભરાવાનો પ્રશ્ન તથા નારી રોડ પર સાયન્સ મ્યુઝિયમ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા વગેરે અંગે આજે મેયર, કમિશનર અને તંત્રવાહકોએ સ્થળ પર નિરીક્ષણ કરી તેના ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારે હવે જાેવું રહ્યું કે, આ બધી સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવે છે ?