ભાવનગર શહેર જ નહીં પરંતુ ગોહિલવાડના આસ્થાના કેન્દ્રો પૈકીના એક અને 150 વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ થઈ રહ્યું છે. આરસપહાણમાંથી તૈયાર થનાર આ નવા શિખરબંધ મંદિરનું કાર્ય આજથી વિધિવત શરૂ થયું. ખાતમુહૂર્તની શાસ્ત્રોત વિધિ આજે સવારે લીલા ગ્રુપના કોમલકાંત શર્માના મુખ્ય યજમાન પદે યોજાઇ હતી.
આ પ્રસંગે કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, આવા ધર્મકાર્ય કરી શકું છું તે મારા માતૃશ્રી લીલાવતી બેન અને પિતા ફકિરચંદભાઈના આશિર્વાદ અને પ્રેરણાનું પરિણામ છે. આવા સત્કાર્યો કરવાથી ક્યારેય સમૃદ્ધિમાં ઓટ આવતી નથી અને સાથે સદબુદ્ધિ અને યશમાં પણ ઈશ્વર કૃપાથી વધારો જ થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાવનગરની ભૂમિ સાત્વિક અને આધ્યાત્મિક છે. અહીંના આસ્થા કેન્દ્રોમાં ગોળીબાર હનુમાનજી મહારાજ, રાજપરા ખોડીયારમાતા, માતા રૂવાપરી માતા તથા આ ભીડભંજન મહાદેવ મુખ્ય છે. આ દિવ્ય શક્તિઓની ઉર્જા સમગ્ર ભાવનગરને ધબકતું રાખે છે.
આ ખાત મુહુર્ત પ્રસંગે અંબિકા આશ્રમના રમજુ બાપુ ઉપસ્થિત રહ્યા હતા તો વિધિમાં બંસલ શિપિંગના કપુરભાઈ બંસલ, બ્રહ્મસમાજ અગ્રણી રાજુભાઈ ઉપાધ્યાય, ભાજપના દેવાભાઈ સાટીયા સહિતના ૩૦ દંપતીઓ જોડાયા હતા.