કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી પી વિજયને આ જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે 14 જુલાઈના રોજ કહ્યું હતું કે કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે જેની પોતાની ઈન્ટરનેટ સેવા છે. આવું એટલા માટે થયું કારણ કે કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે. જે બાદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને લાયસન્સ મળ્યા બાદ હવે રાજ્યના દરેક ગામ અને નગરમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થશે. અમે તમને જણાવી દઈએ કે કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેક વ્યક્તિને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારની મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના છે.મુખ્યમંત્રીએ કહ્યું કે લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે પરિકલ્પના કરાયેલ પ્રોજેક્ટ તેનું કામ શરૂ કરી શકશે. વિજયને ટ્વિટર પર કહ્યું કે કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જેની પાસે પોતાની ઈન્ટરનેટ સેવા છે. સીએમ વિજયને આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ નેટવર્ક ફેલાવવા તરફ પણ ધ્યાન દોર્યું હતું.
કેરળમાં લાંબા સમયથી KFON સ્કીમ પર કામ ચાલી રહ્યું હતું. 2019માં લગભગ 1548 કરોડની આ યોજના શરૂ કરવાની વાત થઈ હતી. પછી લોકોને ઈન્ટરનેટને મૂળભૂત અધિકાર તરીકે આપવાનું કહેવામાં આવ્યું, સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દરેક વ્યક્તિ અને ગામમાં ઈન્ટરનેટ પહોંચવું જોઈએ, તે લોકોનો મૂળભૂત અધિકાર છે. હવે પી વિજયનના ટ્વીટમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે આ યોજનાથી લોકોને તેમના મૂળભૂત અધિકારો મળશે.