પ્રિ પેક્ડ અનાજ, કઠોળ અને જાડાં ધાન્યો, પ્રિ પેક્ડ દહી, છાસ અને લસ્સી જેવી ચીજો હવે 5 ટકા જીએસટીના દાયરામાં લેવામાં આવતા સર્વત્ર રોષ ફાટી નીકળ્યો છે. સોમવારથી અમલ તાય એ પૂર્વે રાષ્ટ્રીય સ્તરે આંદોલનો શરૂ થયા છે તેના પગલે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર અનાજ-કઠોળ અને કરિયાણાના વેપારીઓ બંધ પાળીને વિરોધ કરશે, ગોંડલ, જામનગર અને રાજકોટ જેવા યાર્ડમાં વેપારીઓ હરાજીથી અળગા થઇને કામકાજ બંધ રખાવશે.
તમામ મોરચે લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. સરકારે કોઇ ચીજો મોંઘી બનાવવામાં કસર છોડી નથી ત્યારે હવે આવશ્યક અને ખાધાખોરાકીની ચીજોના ભાવ વધી જાય એવો નિર્ણય લઇને જીએસટીમાં આવરી લેવાતા ભારે રોષ સરકાર પરત્વે છવાયો છે. સામાન્ય લોકોથી વેપારીઓ બધા જ આવા તઘલખી નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
પેક્ડ ચીજો જીએસટીમાં આવી જતા પાંચ ટકા નહીં આઠથી દસ ટકા જેટલી મોંઘી થઇ જાય એમ છે. વળી, વેપારીઓને કમ્પ્લાયન્સની પણ મોટી સમસ્યા થવાની હોવાથી સરકાર પર વિરોધના ધાડાં ઉતરી પડે તેમ છે. દહીં, છાસ અને લસ્સી સાવ સામાન્ય માણસના વપરાશની વસ્તુ છે. સરકારે એને પણ છોડી નથી અને અનાજ પણ રોજબરોજની રસોઇનો એક હિસ્સો છે એટલે તેના પર જીએસટી આવવાથી ભારે નારાજગી ફેલાઇ ગઇ છે.