જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરનારમાં અલગાવવાદી નેતા યાસીન મલિક પણ સામેલ હતો. રૂબૈયા સઈદે શુક્રવારે સીબીઆઈની વિશેષ કોર્ટમાં સાક્ષી દરમિયાન પોતાના અપહરણકર્તાની ઓળખ કરી છે. રૂબૈયા સઈદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની બહેન છે. સઈદનું 8 ડિસેમ્બર 1989માં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. 13 ડિસેમ્બરે પાંચ આતંકીઓને છોડાયા બાદ રૂબૈયા સઈદને મુક્તિ મળી હતી.
સીબીઆઈએ 1990ની શરૂઆતમાં અપહરણના આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. આ પ્રથમવાર છે જ્યારે રૂબૈયા સઈદને મામલાના સિલસિલામાં કોર્ટમાં રજૂ થવાનું કહેવામાં આવ્યું હતું. રૂબૈયા સઈદ તમિલનાડુમાં રહે છે. સઈદને ફરિયાદ પક્ષે સાક્ષી તરીકે રજૂ કરી હતી. ઘટનાના આશરે 31 વર્ષથી વધુ સમય બાદ યાસીન મલિક અને નવ અન્ય વિરુદ્ધ કોર્ટે પાછલા વર્ષે જાન્યુઆરીમાં આરોપો નક્કી કર્યાં હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે આ મામલાની સુનાવણીની આગામી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. યાસીન મલિકને હાલમાં ટેરર ફન્ડિંગ મામલામાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.