રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતિ તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની સી.એમ.-ડેશબોર્ડના માધ્યમથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરતા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, વરસાદનું જોર હળવુ થતા જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પુન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઈએ.
ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી તેમજ માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો તે અંગેનુ કાર્ય આયોજન મોકલી શકે છે તેમ પણ તેણે જણાવ્યુ હતું.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય તેમજ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. નવસારી જિલ્લામાં રાહત અને સર્વેની કામગીરીમાં વધુ ઝડપ લાવવા રાજ્ય સરકાર દ્વારા વધારાના બે એડિશનલ કલેકટર અને પાંચ ડેપ્યુટી કલેકટરની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે તેમ મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યુ હતું.