કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપેલા નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો હક લઘુમતી વર્ગનો છે. આ નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી જ હાર દેખાઈ રહી છે તે જાતિવાદની રાજનીતિ કરી રહી છે. જ્યારે, પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જગદીશ ઠાકોરે કર્યું કે નબળા વર્ગોના વિકાસ પર ધ્યાન અપાય તે બંધારણીય ફરજ છે.
બીજી તરફ આ નિવેદનને લઈ બજરંગ દળ કોંગ્રેસ સામે મેદાને પડ્યું છે. અમદાવાદ GPCC( ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી) ખાતે બજરંગ દળે વિરોધ કર્યો હતો. બજરંગ દળે પોસ્ટરો-દિવાલો પર હજહાઉસ લખ્યુ હતું તેમજ કોંગ્રેસના નેતાઓના પોસ્ટરો પર કાળી સહી લગાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. જગદીશ ઠાકોરના નિવેદન બાદ બજરંગ દળના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે જ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલી હજ હાઉસ કરવાની કરી માગ કરી હતી.
દેશની સંપત્તિ પર તમામ લોકોનો અધિકાર-સુખરામ રાઠવા
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે લૂલો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર તમામ કોમનો અધિકાર છે અને દેશના કરદાતાઓનો પહેલો અધિકાર છે તેવું જણાવ્યું હતું અને જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવું નિવેદન આપ્યું હોય તો હવે તેઓએ કયા આધારે આ નિવેદન આપ્યું છે? તે જગદીશ ઠાકોરને જ પૂછવું જોઈએ આવું જણાવી અને વિવાદથી પીછો છોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા.