અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ચીરિપાલ ગ્રુપ પર રેડ કરી બેનામી સંપતી ખંગોળવાની કાર્યવાહી 3 દિવસથી ઈન્કમટેક્સ વિભાગ કરી રહ્યું છે. એકસાથે ચીરિપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35 થી 40 જગ્યા પર તપાસ ચાલી રહી છે. શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓ દિવસ રાત સર્ચ કરી રહ્યા છે. ITની કાર્યવાહીથી અમદાવાદમાં ભારે ખળભળાટ મચ્યો છે. બીજી તરફ આ દરોડા દરમિયાન ITને કરોડોમાં બેનામી વ્યવહારો હાથે લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચીરિપાલ ગ્રુપ ખૂબ જ ચર્ચિત ગ્રુપ છે કે જે ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ પર ગઇકાલે ઇન્કમટેક્સ વિભાગના 200થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ, જયોતિપ્રકાશ ચીરિપાલ, વિશાલ ચીરિપાલ, રોનક ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો આવકવેરા વિભાગને મળી આવ્યા છે.નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે.
આવકવેરા વિભાગે બેંક લોકર સીલ કર્યા છે. સાથે ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક પણ જપ્ત કરી લીધી છે. એ સિવાય આવકવેરા વિભાગને તપાસ દરમિયાન સોના-ચાંદીની જવેલરી પણ મળી આવી છે.
મેગા સર્ચ ઓપરેશનમાં શું મળ્યું ?
– સંખ્યાબંધ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજો અધિકારીઓએ કબ્જે લીધા
– 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી
– દુબઈમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની મળી વિગતો
– કરોડો રૂપિયાના હવાલા વિદેશમાં પડ્યા હોવાના પુરાવા હાથ લાગ્યા
– 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા
– વિદેશની પ્રોપટીઓ, ફોરેન બેન્ક એકાઉન્ટ, અને હવાલાની કેટલીક વિગતો ITને હાથ લાગી