સરકારે ઘડેલા કેટલાક કાયદાઓની વિરૂદ્ધમાં આજે ખાનગી તબીબોએ એક જુટ થઇ હડતાલ કરી છે. સરકારથી નારાજ તબીબી આલમે પોતાની હડતાલને અસરકારક બનાવવા દર્દીઓને પણ ભગવાન ભરોસે છોડી દેવા નક્કી કર્યું હોય તેમ ઇમરજન્સી કેસમાં પણ દર્દીનો હાથ નહીં જાલવા નિશ્ચિત કરી પોતાની સેવાથી સંપૂર્ણ વિમુખ રહ્યા હતાં. એટલું જ નહીં તબીબોની સાથે લેબોરેટરીઓ સહિતની સેવાઓ બંધ રાખી હડતાલને સમર્થન પુરૂ પાડ્યુ હતું. રાજ્યવ્યાપી આ હડતાલમાં ભાવનગરના આઇ.એમ.એ.ના સભ્ય એવા ૭૫૦ ખાનગી ડોક્ટર તથા તેઓની ૩૫૦ જેટલી હોસ્પિટલોમાં હડતાલ રહી હતી. આ કારણે અસંખ્ય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરાયા બાદ સરકારે હોસ્પિટલો અને નર્સિંગ હોમ વિગેરેમાં આઇસીયુ હોય તે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જાેઇએ અને કાચના ગ્લાસ દુર કરવા સહિત અન્ય ફાયર એનઓસીના નિયમોનું માત્ર ૭ જ દિવસમાં અમલીકરણ કરવા તાકીદ કરાઇ છે. આ સામે તબીબોના યુનિયનનું કહેવું છે કે, આ તદ્દન પાયાવિહોણી અને અતાર્કિક છે અને કેટલીક જાેગવાઈઓ કે જેનો વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી. આથી તેના વિરોધમાં એલોપેથિક ડોકટરો સંપૂર્ણપણે હડતાલ કરી છે.