રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. આ સપ્તાહમાં પણ ભાજપ અને આપના મોટા નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 26મી તારીખે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ 28 અને 29 જુલાઈએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે આપના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, કેજરીલાવ બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. 25મીએ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં તેઓ સીધા રાજકોટ એરપોર્ટ આવશે. આજે સાંજે તેમનો કોઇ કાર્યક્રમ નથી. એરપોર્ટ પરથી તેઓ ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ રોડમાર્ગે સોમનાથ જશે અને ત્યાં રાતે રોકાશે. જે બાદ મંગળવારે સવારે સોમનાથ દાદાના દર્શન કરશે.જે બાદ બપોરે ઉદ્યોગકારો અને વેપારીઓને મળશે.
પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જોકે, ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો. હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી અગાઉ રદ કરેલા કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી 28 અને 29 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે.