દેશમાં મેડિકલ ડિવાઇસીઝનું મોટાભાગનું વેચાણ લાઇસન્સ અને નિયંત્રણ વિના જ થઇ રહ્યું છે. તેમનો દર્દીઓ પર ઉપયોગ પણ કરાઇ રહ્યો છે પરંતુ 1 ઓક્ટોબર, 2022થી તેમાંથી મોટાભાગની ડિવાઇસીઝને લાઇસન્સના દાયરામાં લવાશે. બાકીની ડિવાઇસીઝ આવતા વર્ષે લાઇસન્સના દાયરામાં આવશે. હાલ દેશમાં માત્ર 37 મેડિકલ ડિવાઇસ રેગ્યુલેટ છે. નવા નિયમોથી 2,347 મેડિકલ ડિવાઇસને નિયંત્રિત કરવા તૈયારી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓએ સરકારને રેગ્યુલેશન અને ફરજિયાત લાઇસન્સની તારીખ લંબાવવા આગ્રહ કર્યો હતો. આ મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં મહત્વની બેઠક થઇ. તેમાં સરકારે અનિવાર્ય લાઇસન્સિંગની તારીખ લંબાવવા ઇનકાર કર્યો. જોકે, તેનો આદેશ જારી થવાનો બાકી છે. આરોગ્ય મંત્રાલયે સેન્ટ્રલ ડ્રગ્ઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ને મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓના રજિસ્ટ્રેશન અને લાઇસન્સિંગની પ્રક્રિયામાં મદદ કરવા આદેશ આપ્યો છે. જરૂર પડ્યે તે માટે સ્ટાફની નિમણૂક વધારવા કહેવાયું છે.
ઓછા રિસ્ક અને ઓછાથી થોડા વધુ રિસ્કવાળી ડિવાઇસને ‘એ’ અને ‘બી’ કેટેગરીમાં રખાઇ છે. તેમાં 1,064 પ્રકારની ડિવાઇસ છે. તે માટે જ 1 ઓક્ટો. સુધીમાં લાઇસન્સ લેવું પડશે જ્યારે ‘સી’ અને ‘ડી’ કેટેગરીમાં આવતી 683 પ્રકારની ડિવાઇસ માટે ઓક્ટોબર, 2023 સુધીમાં લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે.