ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4 ઈંચ ખાબક્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાંક જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’
રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ અને ખેરગામમાં પોણા 3 ઈંચ, કચ્છના અંજાર અને ભરૂચના વાલીયામાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, ભચાઉ, સંતરામપુર, કપરાડા અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ, હાંસોટ, ભુજ અને કડાણામાં પોણા બે ઈંચ વરસાદ, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ વરસાદ તો સંખેડા, ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ વરસાદી મહેરમાં કુદરતી સૌંદર્ય પણ ખિલી ઊઠ્યું છે. જે હાલમાં પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં ખિલી ઉઠતા ધોધ પર્યટકો માટે આકર્ષક સાબિત થઈ રહ્યા છે. ગીરમાં આવેલ જમજીરનો ધોધ ખુબ પ્રખ્યાત છે. જે સારા વરસાદના કારણે ખિલી ઉઠ્યો છે.જેથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ કુદરતી નજારાને માણવા માટે પહોંચી રહ્યા છે. ખળખળ કરતો વહી રહેલો ધોધ લોકોને પોતાની તરફ આકર્ષિ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે ધોધનો નજારો નિહાળવા આવે છે. કુદરતી નજારાને પોતાના કેમેરામાં કંડારવા આવી રહ્યાં છે.