બોટાદના રોજિદ ગામમાં ગત રોજ બનેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ નીપજ્યું છે.બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 24થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. બોટાદ પંથકમાં કથિત લઠ્ઠાકાંડને લઈ હડકંપ મચી ગયો છે. થયેલા મોતમાં આકરું ગામના બે સગા ભાઈના મોત થયાનું ખૂલ્યું છે. વિગતો મુજબ આકરુ ગામના 2 સગા ભાઈ ભાવેશ ચાવડા અને કિશન ચાવડાનું લઠ્ઠાકાંડમાં મોત થયું છે. લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.
ઘટનાને પગલે SIT ની રચના કરવામાં આવી
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો.
કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો: SP
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે. અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કુલ 600 લીટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી SIT ની ટીમે 450 લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે. જયેશે 200 લીટર કેમિકલના રૂપિયા 60,000 આપ્યા હતા.
મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું !
ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું. આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.
દારૂ વેચવામાં મહિલા પણ સામેલ
બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે.