ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની આગામી બેઠક તારીખ ૨૮ જુલાઇને ગુરુવારે સાંજે ૪ઃ૩૦ કલાકે બંધ બારણે મળશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ વખતે ૫૬ ઠરાવો રાખવામાં આવ્યા છે જેના પર ચર્ચા વિચારણાના અંતે મંજુર કરવામાં આવશે, તળાજા રોડ પર કંસારા નદી પર બ્રિજ બનાવનાર એજન્સીએ વિલંબ દાખવતા ૬૪ દિવસની પેનલ્ટી વસૂલવા સ્ટેન્ડિંગમાં ર્નિણય કરાશે.
વિધાનસભાની ચૂંટણીની અસર હવે સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોમાં જાેવા મળી રહી છે. આ વખતે સ્ટેન્ડીંગ કમિટીમાં ૫૬ ઠરાવનો સમાવેશ કરાયો છે જેમાં રૂપિયા ૧૪.૪૪ કરોડના ખર્ચે શહેરના જુદા-જુદા વોર્ડમાં ડામર રોડ, કાર્પેટ, મેટલ ગ્રાઉટિંગ, આર.સી.સી રોડ, પેવીંગ બ્લોક અને ડ્રેનેજ લાઈન અપગ્રેડ સહિતના ૨૫ વિકાસ કાર્યોના ઠરાવોનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત લીઝ પ્લોટ રીન્યુ અને કર્મચારીઓને મળતી વિવિધ સહાય મંજુર કરવાના ઠરાવ સમાવિષ્ટ કરાયા છે.
તળાજા રોડ, રામમંત્ર મંદિર નજીક બ્રિજની સમાંતર બીજાે બ્રિજ તૈયાર કરાયો છે. આ કામનું ટેન્ડર ભરનાર સરદાર કન્ટ્રકશન દ્વારા કામમાં ૪૮૮ દિવસનો વિલંબ થતા ચોમાસુ અને કોરોના કાળને ધ્યાને લઇ ૪૨૪ દિવસ ની મુદત વધારી આપી જયારે બાકીના ૬૪ દિવસની દરરોજના રૂ.૪૮૦૦ના ગુણાંકમાં પેનલ્ટી વસૂલવા સ્ટેન્ડિંગમાં ઠરાવ આવ્યો છે. જેને બહાલી અપાશે.