રાજકોટ પોલીસ પણ આજે એક્શનમાં આવી છે. શહેરના દેશી દારૂની ભઠ્ઠીઓના હબ ગણાતા જંગલેશ્વરમાં ડ્રોનથી ચેકિંગ ઝુંબેશ હાધ ધરી છે. રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા પણ છેલ્લા એકાદ સપ્તાહથી દેશી દારૂને લઈને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પોલીસ દ્વારા સવારથી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ડ્રોન વડે જંગલેશ્વર સહિતનાં વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગરમાં દેશી દારૂનું મોટા પાયે વેચાણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને રાજકોટ શહેર પોલીસની વિવિધ ટીમો દ્વારા શહેરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા નવતર પ્રયોગરૂપે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. વહેલી સવારે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી કુબલિયા પરા, જંગલેશ્વર, છોટુનગર ઝૂપડપટ્ટી, કીટીપરા અને રૈયાધારમાં દારૂની ડ્રાઈવ યોજવામાં આવી હતી.