રામાયણના કથાકાર મોરારી બાપુ દ્વારા ગાંધીનગર ખાતે રામકથા કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રામકથાના આયોજનને લઈને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પ્રસ્તાવ રાખ્યો છે. જે પ્રસ્તાવનો મોરારીબાપુએ સ્વીકાર કર્યો છે. જેને લઈને સુંદર કથાનું આયોજન કરવામાં આવશે.
મહત્વનું છે કે તાજેતરમાં તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૨ ના આયોજન દરમિયાન મોરારીબાપુએ ગાંધીનગર ખાતે કથા કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં તેમણે ગાંધીનગરમાં શિક્ષકો માટે શિક્ષકો સાથે બેસીને ભગવાનના ગુણગાન ગાવાની ઈચ્છા વ્યકત કરી હતી. ત્યારબાદ શિક્ષકોએ મૂકેલા પ્રસ્તાવનો મોરારી બાપુએ સ્વીકાર કરી રામકથા અંગેની જાહેરાત કરી હતી.