ભાવનગર જિલ્લાના બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર જાેવા મળી રહ્યો છે, જિલ્લાના ગારિયાધાર તાલુકાના ૧૫ ગામોમાં અને ઉમરાળા તાલુકાના ૧૩ થી વધુ ગામોમાં લમ્પિ વાયરસનો પશુઓ ભોગ બન્યા છે. બંને તાલુકામાં મળી ૨૦ પશુના મોત સરકારી ચોપડે બોલે છે જયારે વાસ્તવિકતા અલગ જ જાેવા સાંભળવા મળી રહી છે ત્યારે સરકારી આંકડા અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત કેમ.? તે પ્રશ્ન ઉઠ્યો છે.
ઉમરાળા તાલુકાના માત્ર ૩ ગામો જેમાં ધરવાળા, લીમડા અને રંઘોળા મળી પશુ મૃત્યુઆંક ૧૦૦ને પાર થયો હોવાનું સ્થાનિક પશુપાલકો જણાવી રહ્યા છે, ધરવાળા ગામમાં ૩૦ થી વધુ, લીમડામાં ૪૦ જેટલા અને રંઘોળા ગામે ૬૦ થી વધુ પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે મીડિયાની ટીમે મુલાકાત લેતા કરૂણ દૃશ્યો જાેવા મળ્યા હતા, જેમાં આજુબાજુના પશુવાડાઓમાં મૃત્યુ પામેલા અને રોગના કારણે તરફડતા પશુઓ નજરે પડ્યા હતા. જે રીતે પશુઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ મોતનો આંક ક્યાં જઈને અટકશે એ તો સમય જ બતાવશે.
રંઘોળાના એક પશુપાલકે જણાવ્યું કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જ અહીં ૫૦થી વધુ પશુના મોત થયા છે. રસીકરણ થઈ ગયેલ અને વંચિત હોય તે બંને પ્રકારના પશુઓ મોતને ભેટી રહ્યા છે.
૩૬૦ કેસ, ૨૦ પશુ જ મૃત્યુ પામ્યા – પશુ ચિકિત્સા અધિકારી
ભાવનગર જિલ્લાના મુખ્ય પશુ ચિકિત્સક બારૈયાએ જણાવ્યું કે, ગારીયાધારના ૧૫ અને ઉમરાળાના ૧૨ ગામોમાં લમ્પી વાયરસ પશુઓમાં જાેવા મળી રહ્યો છે અને હાલ ૩૬૦ પશુઓ ભોગ બન્યા છે તે પૈકી ૨૦ પશુના જ મોત થયા છે.