કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે. ભારતીય વેઇટલિફ્ટર હરજિન્દર કૌરે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મહિલાઓની 71 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હરજિન્દર કૌરે સ્નેચમાં 93 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 119 કિગ્રા કુલ 212 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ ઈંગ્લેન્ડની સારાહ ડેવિસે જીત્યો હતો જ્યારે સિલ્વર કેનેડાની એલેક્સિસ એશવર્થે જીત્યો હતો. સ્નેચમાં હરજિન્દરનો 90 કિગ્રાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.પરંતુ બીજા પ્રયાસમાં તેને સફળતાપૂર્વક ઉપાડ્યા બાદ તેણે ત્રીજા પ્રયાસમાં 93 કિલો વજન ઉપાડ્યું. ત્યારબાદ તેણે ક્લીન એન્ડ જુર્ગમાં 113, 116 અને પછી 119 કિગ્રા સફળતાપૂર્વક ઉપાડ્યું.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફ્ટર્સ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા છે. મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શ્યુલીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.તે જ સમયે, બિંદિયારાની દેવીએ સિલ્વર, હરજિંદર કૌરે બ્રોન્ઝ, સંકેત મહાદેવે સિલ્વર અને ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ જીત્યો છે. ગત વખતે ભારતે વેઈટલિફ્ટિંગમાં 9 મેડલ જીત્યા હતા. હવે જોવાનું એ રહે છે કે ભારત તેનો પાછલો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.