રાજ્યમાં લમ્પી વાયરસ ૨૦ જિલ્લામાં ફેલાયો છે તેમજ અત્યારસ સુધીમાં ૧૪૦૦થી વધુ પશુઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્યમાં લમ્પી વાયરસના નિયંત્રણ માટે યુદ્ધસ્તરે કાર્યરત છે. હાલમાં રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પૂરજાેશમાં થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૧૭ હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓમાં કામગીરી કરી રહ્યા છે.
રાજયમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જાેવા મળ્યા છે. જેમાં ૧૯૦૦થી વધુ ગામડાઓમાં ૫૪ હજારથી વધુ રોગગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.