આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષકો અને અધ્યાપકોના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ૧ ઓગસ્ટથી તમામ સ્કૂલમાં અને કોલેજાેમાં ભારત માતાનું પૂજન કરવામાં આવે જેને પગલે રાજકોટ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નિયમિત ભારત માતાનું પૂજન અને વ્યાખ્યાન યોજવા રાજ્યના શિક્ષણ વિભાગે દરેક શાળાઓને સૂચના આપી છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૮૦થી વધુ શાળા અને શહેર તથા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આ સૂચનાનો અમલ પણ કરી દેવાયો હોય એમ સોમવારે અનેક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરાયું હતું. શિક્ષકોના સંઘની ગુજરાતના શિક્ષણ વિભાગે રજૂઆતને માન્ય રાખી છે.
આમ રાજકોટ સહિત તમામ સ્કૂલમાં ૧ ઓગસ્ટથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતમાતાનું પૂજન કરવામાં આવે તે પ્રકારનો પરિપત્ર શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે.