રાજ્યના મહાનગરોમાં મિલ્કતોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર દ્વારા ઇડબલ્યુએસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને તેના પરિણામે હજારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી શક્યા છે ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના પાંચ મહાનગરોમાં ટીપી સ્કીમમાં આવાસ યોજના બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરમાં પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ અને રાજકોટ તથા જામનગરમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે.
રાજ્યભરની પાંચ મહાનગરપાલિકામાં ટીપી સ્કીમમાં ૨૩૧૦૦ ઇડબલ્યુએસ આવાસો બનશે જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં એક-એક મળી કુલ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ તેમજ રાજકોટ અને જામનગરમાં એક-એક એમ કુલ બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે જેમાં ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની પ્રિલીમીનરી ટીપી સ્કીમ-૪ વરતેજ ખાતે પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસોનું નિર્માણ થઇ શકશે. જેમાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસોની ફાળવણી કરવામાં આવશે. આમ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પણ ઘરનું ઘર વસાવી શકે તેવી આ સ્કીમને મંજૂરી અપાતા લોકોને ફાયદો થશે.