અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ સનાતન ધર્મ ભણાવવામાં આવશે. AMUના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ સેરેમનીમાં PM મોદીના વખાણ કર્યા બાદ હવે ઈસ્લામિક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ સનાતન ધર્મના અભ્યાસ તરફ આગળ વધ્યું છે. વિભાગ હવે એક નવો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને સનાતન ધર્મ પણ શીખવવામાં આવશે.
એએમયુના ઈસ્લામિક સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મોહમ્મદ ઈસ્માઈલે કહ્યું કે હવે વિભાગમાં તુલનાત્મક ધર્મ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સનાતન ધર્મ વિશે શિક્ષિત કરવામાં આવશે. આ સાથે વિવિધ ધર્મોનું જ્ઞાન પણ આપવામાં આવશે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એએમયુના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન પીએમએ AMUના ઈસ્લામિક સ્ટડીઝ વિભાગની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને પણ ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવવો જોઈએ. આ મામલે વિભાગ હવે તુલનાત્મક ધર્મ નામનો નવો અભ્યાસક્રમ શરૂ કરી રહ્યું છે.