બાઇક સહિતની ચોરીના કિસ્સામાં હવે ભોગ બનનારએ પોલીસ સ્ટેશન સુધી ધક્કો ખાવાના બદલે ઘરેથી જ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધાનો ગુજરાત પોલીસે પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક કિસ્સામાં પણ ફરિયાદી ઘરેથી જ પોતાની ફરિયાદ ઓનલાઇન નોંધી શકશે. તાજેતરમાં જ ગુજરાત પોલીસમાં આ સુવિધાની અમલવારી શરૂ કરાઇ છે ત્યારે લોકો તેનાથી જાણકાર બને તે માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર શહેર અને જિલ્લામાં જનજાગૃતિ સેમિનાર અને કાર્યક્રમો થઇ રહ્યા છે જે ઉપક્રમે આજે શહેરના મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે આઇપીએસ અશોકકુમાર યાદવ-પોલીસ મહાનિરીક્ષક ભાવનગર તથા મેયર કિર્તીબેન દાણીધારીયા અને ધારાસભ્ય વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં શહેરના અગ્રગણ્ય લોકો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.