ભાવનગરના ૧૫૦ ફૂટ રિંગ રોડ,નારાયણ સોસાયટીમાં રહેતા વ્યક્તિએ આજથી દોઢ વર્ષ પહેલા બે મહિલા સહિત ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આપઘાત કરી લેવાના કિસ્સામાં મૃતકના ભાઈએ ત્રણેય વિરુદ્ધ પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ભરત નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવવાની વિગતો એવા પ્રકારની છે કે, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, નારાયણ સોસાયટી પ્લોટ નંબર ૨૩-૨૪ માં રહેતા જગદીશભાઈ મથુરભાઈ ખેરાળા ના ભાઈ અરવિંદભાઈને ગીતાબેન રવજીભાઈ ગોહેલ, તેના બહેન અને કિશન ચુડાસમા નામનો શખ્સ બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તેનો વિડીયો ઉતાર્યો અને અશ્લીલ ફોટા પાડેલ તેમજ તેને બદનામ કરવાની અવારનવાર ધમકી આપતા હતા. ગઈ તારીખ ૨૩/૨/૨૦૨૧ ના રોજ આ ત્રણેય ઈસમો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના પત્ની સહિતનાને ગાળો આપી ધમકી આપી હતી અને માર માર્યો હતો, તેમજ અરવિંદભાઈ પાસે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી.
ગીતાબેન ગોહેલ અને તેની બહેન તથા કિશન ચુડાસમાના ત્રાસથી કંટાળી જઈ અરવિંદભાઈએ ગત તારીખ ૫/૩/૨૦૨૧ ના રોજ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા ચિઠ્ઠી લખી ત્રણ વ્યક્તિના ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઘટનાના દોઢ વર્ષ બાદ મૃતક અરવિંદભાઈના ભાઈ જગદીશભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.