આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ચૂક્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તેવા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા સરકારીકર્મચારી -અધિકારીની બદલીની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે. જે કર્મચારી ગુનાહિત કેસ ચાલતો હોય એવા કર્મચારીને ચૂંટણીની કામગીરીથી દૂર રાખવા પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જે સરકારી કર્મીની બદલી કરાય તેમાં પણ તેમને વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે. જો અગાઉ કોઇ અધિકારી સામે શિસ્તભંગના પગલા લેવા ચૂંટણી પંચે સૂચના આપી હોય તેમને પણ ચૂંટણી કામગીરીમાં મૂકી શકાશે નહીં. તે સાથે તેમનું વતન હોય તેવા સ્થળે પણ ફરજ સોંપી શકાશે નહીં. પોલીસ તંત્રમાં પણ પીએસઆઇ કે તેનાથી ઉપરની રેન્કના અધિકારીઓને તેમના વતનમાં નિમણૂક નહીં આપી શકાય.
ગુજરાત અને હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવને ચૂંટણી કામકાજને લઇને પંચ દ્વારા સૂચના પાઠવાઇ છે. ગુજરાત વિધાનસભાની મુદત ૧૮ ફેબ્રુઆરી-૨૦૨૩એ પૂર્ણ થઇ રહી છે. ચૂંટણી મહત્વની હોઇ ગેરરીતિ ન થાય તે માટે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા ચૂંટણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકારી કર્મીઓની બદલી કરવા સૂચના અપાઇ છે. તેમાં શિક્ષક, શાળાના આચાર્ય, તબીબ અને ઇજનેર વિગેરે સરકારી નિમણૂકોના કિસ્સામાં છૂટછાટ અપાઇ છે પરંતુ તેમાંથી કોઇની સામે ફરિયાદ ન હોય કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય તો અધિકારી-કર્મચારીઓની બદલી કે નિમણૂકની તેમની ખાતાકીય તપાસ પણ કરાવી શકશે. આ કામગીરી સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી દઇને મુખ્ય સચિવે પંચ ને જાણકારી આપવા લેખિત સુચના આપવામા આવી છે.