પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસ કર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે.
બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે. તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી 15 દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે છે.
વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ, 2022 સુધી કરવામાં આવી હતી. સરકાર જ્યારે વારંવાર કહે છે કે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરાશે ત્યારે સ્વાભાવિક છે કે નાણાં વિભાગને બજેટ માટે દરખાસ્ત મૂકવામાં આવી જ હોઈ શકે ત્યારેનાણાં વિભાગના જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ દરખાસ્ત જ હજુ સુધી આવી નથી.