મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ દ્વારા પ્રથમવાર એક મહિનાનું વેકેશન પર જવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી 10 ઓગસ્ટથી તમામ સિરામિક ફેકટરીઓ દ્વારા શટ ડાઉન કરવામાં આવશે. આ શટડાઉનના પગલે એક તરફ સિરામિક સાથે જોડાયેલા બીજા આનુસંગિક ઉદ્યોગ અને વ્યવસાયને પણ અસર થાય તેવી સંભાવના છે. મોરબીની સિરામિક ફેકટરીઓ બંધ થવાથી દરરોજ અલગ અલગ ફેક્ટરીમાં લોડ અને અનલોડ થતા 5000થી પણ વધુ ટ્રકમાં માલ લોડ અનલોડ થવાનું પણ બંધ થઈ જશે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ બંધ રાખવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જેથી મોરબી જીલ્લાના ટ્રાન્સપોર્ટ એસોશીએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર દ્વારા આગામી 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર એમ એક મહિના સુધી આંશિક રીતે વેકેશન પર જવાનો નિર્ણયલેવામાં આવ્યો છે. પ્રભાતભાઈના જણાવ્યા મુજબ હાલ મોરબીના સિરામિક પેપર મિલ તેમજ અન્ય આનુસંગિક ઉધોગમાં દરરોજ 6000થી વધુ ટ્રક દરરોજ લોડ અનલોડ થાય છે પરંતુ સિરામિક ફેક્ટરી બંધ રહેવાથી મોટાભાગના ટ્રાન્સપોર્ટને અસર થશે જોકે પેપર મિલ, નોનવુવન, પ્લાઈવુંડ ફેક્ટરી તેમજ પોલી પ્લાસ્ટ સહિતની નાના મોટી અનેક ફેક્ટરી ચાલુ રહેશે.