ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં પ્રસરી ચૂકેલ લમ્પી વાયરસને કારણે હવે દૂધના ઉત્પાદન અને સપ્લાય પર અસર દેખાવા લાગી છે. માત્ર સહકારી ડેરીઓમાં જ દૂધની સપ્લાયમાં ૫૦,૦૦૦ લીટરનો ઘટાડો થયો છે. અને રોગચાળો કાબૂમાં ન આવે તો આવતા સમયમાં દૂધની અછત સર્જાવાની પણ આશંકા વ્યક્ત થવા લાગી છે.
રાજ્યભરના ૧૮ સંઘોના સંયુક્ત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ને દરરોજ બે કરોડ લીટર દૂધ મળતું હોય છે તેમાંથી ૪૨ ટકા ગાયનું દૂધ હોય છે. હાલ દૂધ સપ્લાયમાં ૫૦,૦૦૦ લીટરનો ઘટાડો થયો છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જ દૂધની પ્રાપ્તી ઓછી થઇ છે.
અમૂલના મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે લમ્પી વાયરસની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ છે. ગુજરાતના બાકીના ભાગોમાં છૂટાછવાયા કેસો જ માલુમ પડી રહ્યા છે. ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કહ્યું કે કચ્છ સૌથી અસરગ્રસ્ત બન્યું છે. દરરોજ 3 લાખ લીટર દૂધ મળતું હોય છે, તેમાંથી ૫૦,૦૦૦ લીટર ગાયનું દૂધ હોય છે.
ગાયના દૂધની સપ્લાયમાં ૧૫ થી ૨૦ હજાર લીટરનો ઘટાડો થયો છે. લમ્પીમાંથી સાજી થયેલી ગાયનું દૂધ પણ ૫૦ થી ૭૦ ટકા ઓછું મળી રહ્યું છે. હવે લમ્પીને નિયંત્રણમાં ન લઇ શકાય તો ગુજરાતમાં ગાયના દૂધની કટોકટી ઉભી થઇ શકે છે. સત્તાવાર રીતે કચ્છમાં જ ૩૮,૦૦) ગાયોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે પરંતુ સુત્રોના કહેવા પ્રમાણે આ સંખ્યા ઘણી વધુ છે.