ભાવનગરના રીંગરોડ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતી મહિલાએ તેના પતિના ત્રાસથી કંટાળી જઈ ફીનાઇલ પી લેતા સારવાર અર્થે પરિવાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવવા અંગે મળતી મુજબ શહેરના રીંગરોડ, મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર એ, ફ્લેટ નંબર ૬૦૩ માં રહેતા રવિનાબેન મનોજભાઈ બાંભણિયા ( ઉ.વ.૨૨ ) ને તેના પતિ મનોજભાઈ રાજુભાઈ બાંભણિયા અવારનવાર ત્રાસ આપતા હોય અગાઉ ઘરેથી કાઢી મૂક્યા બાદ ફરી તેડી ગયા હતા અને નાની વાતોમાં ઝઘડો કરતા હોય ગત તા. ૨ ના રોજ ઘરે જમતી વખતે શાક બરોબર કેમ નથી બનાવ્યું તેમ કરી ઝઘડો કરતા રવિનાબેનને લાગી આવતા તેઓ ફીનાઈલ પી ગયા હતા.
પત્નીએ ફિનાઈલ પીધું હોવા છતાં તેને હોસ્પિટલ લઈ જવાના બદલે તેનો પતિ તેને તેની માતાના ઘરે મૂકી જતા તેની માતાએ રવિનાબેનને સારવાર અર્થે શિવાજી સર્કલ પાસે આવેલ પરિવાર હોસ્પિટલમાં ખસેડી હતી.
આ અંગે રવિનાબેને તેના પતિ મનોજભાઈ રાજુભાઈ બામણીયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.