ભાવનગરના ઘોઘાથી ડાયમંડ સિટી સુરતના હજીરા સુધી ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસ વધુ એક વખત અચાનક બંધ થઇ છે. જાે કે, ૧૫ ઓગષ્ટથી ફેરી સર્વીસનો લગભગ પુનઃ પ્રારંભ થશે. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આ પ્રોજેક્ટ સાકાર કર્યો છે પરંતુ રો-રો ફેરી પર સરકારી તંત્રનું કોઇ નિયંત્રણ જ ન હોય તેમ આગોતરી જાણ કર્યાં વગર જ ગમે ત્યારે સેવા બંધ કરી દેવાય છે. જ્યારે લોકોમાં દેકારો થાય ત્યારે મીડિયા સંપર્ક કરે પછી વિગતો જાણવા મળે છે. સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરાતી જ નથી. આમ, સરકારી આ સેવાનો ખાનગી પેઢીની માફક વહિવટ ચાલી રહ્યો હોવાની બુમ ઉઠી છે.
ભાવનગરને ટિ્વન સિટી સુરત સાથે જળમાર્ગે જાેડતી રો-પેક્સ ફેરી સર્વિસને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવતા સુરત સાથેનું જળમાર્ગે કનેક્ટીવિટીને બ્રેક લાગી ગઈ છે. આગામી ૮ ઓગષ્ટ સુધી ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘાની તમામ ટ્રીપોને કેન્સલ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ફરજીયાત રોડ માર્ગે જવાની નોબત આવી છે. જાે કે, આજે નવી મુદત આવી છે જે મુજબ હવે ૧૫ ઓગષ્ટથી આ સેવા ચાલુ થશે. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, જાે વેસલ રિપેર થઇ જશે તો ૧૫મીથી સેવા પૂર્વવત થશે અન્યથા મુદત લંબાઇ શકે છે. રો-રો ફેરીના પાટીયા અચાનક પડી જતા આ અંગે સત્તાવાર વિગતો જાણવા સંબંધિતોનો સંપર્ક નિષ્ફળ રહ્યો હતો આથી સત્તાવાર કોઇ વિગતો સામે આવી નથી.
પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા ૫૦૦ મુસાફરની ક્ષમતા ધરાવતા ૧૨ વર્ષ જૂના વોયેજ સિમ્ફની જહાજમાં રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતા ૧લી ઓગસ્ટથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ બંધ કરાઇ છે. શિપ મેઈન્ટેનન્સના કારણે આ ફેરી સર્વિસ બંધ રહેશે તેમ કારણ આગળ ધરાયું છે. જાે કે, સત્તાવાર રીતે વિગતો જાહેર કરવાથી ફેરી ઓપરેટર કે તંત્રવાહકો દુર જ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ ઘોઘા-દહેજ સર્વિસને બંધ કરવામાં આવી હોવાથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા ભાવનગર અને સુરત વચ્ચે એક માત્ર જળમાર્ગે કનેક્ટિવિટી છે. ત્યારે તેને પણ મેઈન્ટેનન્સનું ગ્રહણ લાગતા ભાવનગર-સુરત આવવા-જવા માટે રોડ માર્ગનો વિકલ્પ રહ્યો છે તેમાં પણ ફેરી સંચાલક કંપની મન પડે ત્યારે આગોતરી જાણ કર્યાં વગર સેવા બંધ કરી દે તે કેમ ચાલે ? કંપનીએ મનમાની કરીને અચાનક જ ફેરી સર્વિસ બંધ કરતા એડવાન્સ બુકીંગ કરનાર અનેક પ્રવાસીના આયોજન વેર-વિખેર થઇ ગયા છે.