મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી આઠમી અને નવમી ઓગસ્ટના રોજ થવાની છે. આ બન્ને દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જાેડાશે.આઠમી અને નવમી ઓગસ્ટના રોજ તાજીયાઓના રૂટનું યોગ્ય સમારકામ કરવાં અને અન્ય જરૂરી વ્યવસ્થા ઉભી કરવાં માટે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપૂત, ભાવનગરની સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ હુસૈનમિયાંબાપુ, ઉપપ્રમુખ પદાક સમદભાઇ કુરેશી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.