ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના યુવા નેતા સંજયસિંહ ગોહિલ (માલપર)એ કોંગ્રેસ સાથે વિધિવત રીતે છેડો ફાડ્યાના ત્રણ દિવસમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લાંબા સમયથી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળતા હોવાની અટકળો હતી. આખરે ગઇકાલે મેઘાણી ઓડીટોરિયમ ખાતે ખાસ કાર્યક્રમ ગોઠવીને પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સંજયસિંહને ભાજપનો ખેસ પહેરાવીને આવકારાયા હતાં. તેઓ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો, અપક્ષ સભ્ય, ૧૨ સરપંચ સહિતના આગેવાનો તથા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો વિગેરેને સાથે લઇ ભાજપમાં ભળ્યા હતાં.
શહેરના મેઘાણી ઓડિટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે ભાજપનો ખેસ પહેરી વિધિવત કેસરિયા કર્યાં હતાં. તેમની સાથે ઘોઘા તાલુકા પંચાયતના છ પૈકી મનિષાબા ગોહિલ, મંજુલાબેન ડાભી, કૌશરબેન શેખ તથા અમિતભાઇ ચૌહાણ સહિત ચાર કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જાેડાયા હતાં. તો તા.પં.ના અપક્ષ સભ્ય દક્ષાબેન ડાભી ઉપરાંત તેમની સાથે ઘોઘા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ, ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન તથા પૂર્વ સભ્યો તથા કોંગ્રેસ સંગઠન માળખામાં વિવિધ પદ પર જવાબદારી નિભાવી ચુકેલા પૂર્વ હોદ્દેદારો ઉપરાંત તાલુકાના ૧૨ સરપંચ અને ૮ પૂર્વ સરપંચ સહિતના ૫૦થી વધુ ટેકેદારો, વિવિધ સમાજ, સંગઠન, એસોસિએશન સાથે સંકળાયેલા લોકોએ પણ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તમામને ઉપસ્થિત ભાજપના મોવડી મંડળે ખેસ પહેરાવીને આવકાર્યા હતાં.