સમગ્ર ગોહિલવાડમાં કોરોનાના અંતરાય બાદ આ વર્ષે શ્રાવણ માસની પરંપરાગત ઉજવણી થઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણી પર્વના હાર્દ ગણાતા સાતમ-આઠમનો તહેવાર પણ ભાવનગરીઓ પરંપરાગત રીતે ઉજવી શકશે. સાતમ-આઠમના દિવસોમાં આપણે ત્યાં લોકમેળાની પરંપરા રહી છે જે કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી તુટી હતી પરંતુ આ વખતે સાતમ-આઠમ પર્વનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. આ માટે તૈયારીઓ હાથ ધરી દેવાઇ છે.
શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના દિવસોથી શરૂ કરી અમાસ સુધી જુદી જુદી જગ્યાઓએ મેળાની પરંપરા રહી છે તેમાં પણ ચકડોળ અને અવનવી રાઇડ્સ સાથે થતા ધંધાદારી લોકમેળાનું આકર્ષણ પણ વિશેષ રહે છે. ભાવનગરમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીના લોકમેળાની પરંપરા રહી છે. અન્ય મહાનગરોમાં મહાનગરપાલિકાઓ દ્વારા લોકોના મનોરંજન હેતુ થઇને લોકમેળાના આયોજન થતા હોય છે. ભાવનગરમાં તત્કાલીન મ્યુ. કમિશનર પ્રદિપ શર્માના સમયે એક વખત મહાપાલિકાએ લોકમેળાનું જબરજસ્ત અને યાદગાર આયોજન કર્યું હતું. તે પછીના કોઇ કમિશનર કે શાસકોએ લોકમેળો યોજવા બીડુ ઝડપ્યું નથી. ધારાસભ્ય વિભાવરીબેન દ્વારા વચ્ચે બે-ત્રણ વખત લોકમેળાના આયોજન થયા છે તે નોંધનીય છે. આ સિવાય કોર્પોરેશન દ્વારા કોઇ આયોજન થયું નથી પરંતુ ભાવનગરમાં જન્માષ્ટમી લોકમેળાના આયોજન આયોજક દ્વારા પ્રતિવર્ષ લોકમેળો યોજવામાં આવે છે. પાછલા ત્રણ વર્ષ કોરોનાના કારણે જન્માષ્ટમી લોકમેળો થઇ શક્યો ન હતો પરંતુ આ વર્ષે રાંધણ છઠ્ઠ તા.૧૭ ઓગષ્ટથી ભાદરવી અમાસ તા.૨૭ ઓગષ્ટ સુધી જવાહર મેદાનમાં લોકમેળો યોજાશે. આ ધંધાદારી આયોજનમાં બાળકો અને મોટેરા સૌ કોઇ ચકડોળ તથા વિવિધ રાઇડ્સની મજા માણી શકશે.