સેન્ટ્રલ બોર્ડે કંપાર્ટમેંટ પરીક્ષાની તારીખો જાહેર કરી છે, જે અંતર્ગત CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની કંપાર્ટમેંટ પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની કંપાર્ટમેંટ પરીક્ષાઓ (એક અથવા બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓ પાસે કંપાર્ટમેંટનો વિકલ્પ હોય છે, જેના દ્વારા ફરી વખત પરીક્ષા આપીને આ વિદ્યાર્થીઓ આખુ વર્ષ બરબાદ થતાં બચાવી શકે છે.23 ઓગસ્ટથી શરૂ થશે. સીબીએસઈએ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. દશમાની કંપાર્ટમેંટ પરીક્ષા 23થી શરૂ થઈને 29 ઓગસ્ટે ખતમ થશે. દશમાની તમામ પરીક્ષાઓનો સમય સવારે 10.30 થી 12.30 સુધી રહેશે.
બારમા ધોરણના તમામ વિષયોની પરીક્ષા એક જ દિવસમાં ત્રણ પાળીમાં 10.30 થી 11.30, 10.30 થી 12.00 અને 10.30 થી 12.30 વાગ્યા સુધીનું આયોજન કર્યુ છે. મુખ્ય પરીક્ષાની માફક આ પરીક્ષામાં પણ પરીક્ષાઓના પ્રશ્ન પત્ર વાંચવા માટે 15 મીનિટનો વધારાનો સમય આપવામાં આવશે.
સીબીએસઈએ દશમાં અને બારમાં ધોરણના પરિણામ 22 જૂલાઈએ ઘોષિત કર્યા હતા. બારમાં ધોરણમાં 67,743 વિદ્યાર્થીઓ અને દશમાં ધોરણમાં 1,07,689 વિદ્યાર્થીઓની કંપાર્ટમેંટ આવી હતી. આ પરીક્ષામાં બેસવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 31 જૂલાઈએ સમાપ્ત થઈ હતી. બોર્ડે સ્પષ્ટ કર્યુ છે કે, પરીક્ષા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવશે.