વનરાજાે ગીરનું જંગલ છોડી ભાવનગર બૃહદ ગીર તરફ આગળ ધપી રહ્યા છે, હાલ જિલ્લાના જંગલ અને દરિયા કાંઠાના વિસ્તારમાં મળી ૮૦થી વધુ સિંહનો વસવાટ, વિચરણ હોવાનું મનાય છે. કાલે ૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે કે, ખાનદાની અને ખુમારી માટે વખાણાતું પ્રાણી-વનના રાજા સિંહોને અહીંની મહેમાનગતિ માફક આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગીરનું જંગલ હાઉસફુલ થતા હવે સિંહોના વસવાટ માટે ભાવનગરનું જંગલ એક માત્ર વિકલ્પ બચ્યો છે.!
જાેકે, ગોહિલવાડમાં ૧૮મી સદીમાં પણ સિંહોની વસ્તી હતી જે લુપ્ત થયા બાદ ૧૯૯૮માં ફરીથી સિંહોનું આગમન થયું અને ધીરે ધીરે વસ્તી વધતી રહી છે. છેલ્લે ૨૦૨૦માં તા.૫ અને ૬ જૂનના પૂનમ અવલોકન પદ્ધતિથી થયેલ સિંહની વસ્તી ગણતરી મુજબ દરિયા કાંઠાના વિસ્તારમાં ૧૭ સિંહોનો વસવાટ નોંધાયો છે.
ઇસ ૧૯૯૮માં ભાવનગરમાં ફરીથી સિંહનાં પ્રવેશની શરૂઆત થઈ. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો.
છેલ્લા ૨૫ વર્ષમાં સિંહની વસ્તી ૮૦થી વધુ થઈ છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર અને કેટલીક હદે ગારિયાધારમાં સિંહોની હાજરી જાેવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બૃહદ ગીરનો વ્યાપ પણ વધતો જાય છે.
ભાવનગરમાં સિંહ ગણતરી માટે વિસ્તારને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ભાવનગર મુખ્ય વિસ્તાર (મેઈન લેન્ડ) અને દરિયાકિનારો (કોસ્ટલ બેલ્ટ). ૨૦૧૫માં થયેલ સિંહ ગણતરી અનુસાર ભાવનગર મુખ્ય વિસ્તારમાં ૩૭ સિંહની હાજરી જાેવા મળી હતી જ્યારે ૨૦૨૦ તે સંખ્યા ૫૬ થઈ ચૂકી છે. આ ૫૬ સિંહની સાથે કાંઠા વિસ્તારમાં બીજા ૧૭ સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયેલ. જયારે હાલમાં ભાવનગર જિલ્લાના બંને વિસ્તારમાં મળી કુલ ૮૦ થી વધુ સિંહ, સિંહણ, પાઠડા અને બચ્ચા તેમજ વણ ઓળખાયેલ સિંહો હોવાનું મનાય છે.