ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન લીધા બાદ આ એપ્લિકેશન ભારત સરકારે બ્લોક કરી દેતા લોનની બાકી રકમ વસૂલવા અજાણ્યા મોબાઈલ નંબરના ધારકે લોન લેનાર વ્યક્તિના તમામ કોન્ટેકટ નંબર ઉપર ફોટા સાથેનો ફ્રોડ ડિફોલ્ટર મેસેજ વાઇરલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના આનંદનગર,જૂની એલ.આઈ.જી.માં રહેતા જયભાઈ હિતેશભાઈ જાેશીએ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમણે તા.૮/૨/૨૦૨૨ના રોજ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફર્સ્ટ કેશ લોન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂ.૬,૦૦૦ ની લોન માટે એપ્લાય થતા જે લોનના રૂ.૪,૩૦૦ તેમના બેન્ક ખાતામાં જમા થયા બાદ ત્રણ ચાર દિવસ પછી ભારત સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા કાર્યવાહી થતા આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી રિમુવ થઈ ગયેલ આથી તેઓ લોન ચૂકવી શક્યા ન હતા.
દરમિયાન તા ૩/૮ ના રોજ તેના મોટા ભાઈના વોટ્સએપમાં ૭૬૨૫૦૬૨૧૬૨ નંબર પરથી જય ભાઈના ફોટો સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ આવ્યા બાદ જયભાઈના વોટ્સએપમાં પણ મેસેજ આવ્યો હતો કે,આપેલ યુ.પી.આઈ.નંબર ઉપર એક કલાકમાં રૂ.૧૯,૦૨૦ જમા કરાવી દ્યો નહિતર તમારા તમામ કોન્ટેકટ નંબર ઉપર ફ્રોડ હોવાનો મેસેજ મોકલી દઈશ.
આ મેસેજ બાદ તેમના તમામ કોન્ટેકટ નંબર ઉપર ફ્રોડ હોવાનો ફોટો સાથેનો મેસેજ વાઇરલ થતા જય ભાઈએ મોબાઈલ ફોનધારક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી.કલમ ૪૧૭,૪૧૯,૪૨૦ અને ઇન્ફોર્મેશન એમેનડમેન્ટ એકટની કલમ ૬૬-ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.