ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ પસાર કર્યો છે. વિદ્યાર્થીઓ હવેથી ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકશે. એ માટે વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં જ DEOને અરજી કરવાની રહેશે.
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી અને ગુજરાતી સહિતના અલગ-અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી જેના પરિણામે તેઓને તકલીફ પડે છે. આથી, અલગ-અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી. આથી, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો આદેશ કર્યો હતો.